News > ગુજરાત બનશે ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ:દેશની પહેલી સેમિકન્ડક્ટર પોલિસી જાહેર, ધોલેરા SIRમાં સેમિકોન સિટીના પ્રોજેક્ટને 75 ટકા સબસિડી મળશે

ગુજરાત બનશે ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ:દેશની પહેલી સેમિકન્ડક્ટર પોલિસી જાહેર, ધોલેરા SIRમાં સેમિકોન સિટીના પ્રોજેક્ટને 75 ટકા સબસિડી મળશે
Posted :Tuesday 27th of September 2022 05:29:15 PM

ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ગુજરાત ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે. આ પોલીસી અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સિટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પુરૂ પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.

પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.

ગુજરાત આ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું
તેમણે ઉમેર્યું હતું કે, સેમિકંડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન( ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા 76 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્યમંત્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.

મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય મળશે
તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર 50 ટકા સબસિડી આપવામાં આવશે.

પાત્રતા ઘરાવતા પ્રોજેક્ટ્સને સારી ગુણવત્તાનું પાણી મળશે
આ પોલીસી અંતર્ગત તમામ પાત્રતા ઘરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે 12 રૂપિયા પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે 10 ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી 10 વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂ. 2 ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, 1958 હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.

સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે
આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે અર્થે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે. આ નીતીનો ઉદેશ્ય મોટા પાયે રોજગારી ઉભી કરવાનો છે તથા આગામી પાંચ વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.